Sunday, August 4, 2013

એક સત્ય ઘટના

માનો યા ન માનો
 
એક સત્ય ઘટના

     અમે ૨૨મી જુન 2010ના દિવસે કૈલાસ માનસરોવરની યાત્રા કરી પાછા ફર્યા.ત્યાર બાદ ઑફિસની દરેક વ્યક્તિને અમે માનસરોવરનું જળ અને અષ્ટ્પદનું જળ આપ્યું. અષ્ટપદનાં જળ વિષે વાત કરુ તો……
      કહેવાય છે કે અષ્ટપદ એ એવી જગ્યા છે કે જ્યાં જૈન ધર્મનાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ આઠ પગલા ભરી પહોંચ્યા હતા અને ત્યાં તેમનું નિર્વાણ પામ્યા હતા. લોકવાયકા મુજબ કૈલાસ એ જ અષ્ટપદ કહેવાય છે. હાલમાં એ જગ્યાએ છ શિખરો મોજુદ છે. આ આઠ પગલા વિષે વિશેષ જાણકારી મેળવીયે તો ….
        જેમ આપણા વેદોમાં પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે તેમ એ અરસામાં આપણા ઋષિ મુનિઓ પાસે પ્રવાસ કરવાના સાધનો હતા. એવી જ રીતે ઋષભદેવે આવી જ રીતે આઠ શિખરો પાર કરી કૈલાસ પહોંચેલા અને ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણ પામ્યા હતા. અહીંથી કૈલાસના સૌથી નજીકથી દર્શન થાય છે. તેથી આ જગ્યા અષ્ટપદને નામે ઓળખાય છે.
    અહીં કૈલાસ પર ૩૬૫ દિવસ અભિષેક થતું જળ વહે છે જે ઉમા છુ નદી નામે ઓળખાય છે. આ જળને આપણે અષ્ટપદના જળ તરીકે ઓળખીયે છીયે. હવે મૂળ વાત પર આવીયે.
         ખેડબ્રહ્માના ભાઈશ્રી દિલિપભાઈ અમારી ઑફિસના ઍમ્પ્લોયર છે અને જૈનધર્મી છે.તેઓ તો આ જળ પામી ખૂબ ખુશ થયા. અચાનક તેમના ૬૧ વર્ષીય મોટાભાઈના મૃત્યુના સમાચાર આવ્યા અને શોકગ્રસ્ત માતા સુમિત્રાબેનને લઈ તેઓ પોતાના ગામે પહોંચ્યા. પોતાના મોટા પુત્રના અચાનક મૃત્યુના આઘાતથી સુમિત્રાબેન અચાનક કોમામાં પહોંચી ગયા. દિલિપભાઈ પણ આ જોઈ આઘાત પામ્યા. આવા બેવડા આઘાતમાંથી કેમ બહાર આવવું અને માને કેમ બહાર લાવવા એની સૂઝ પડતી ન હતી. લોકોએ સલાહ આપી કે હવે તો સુમિત્રામાની પણ અંતિમ ઘડીયો આવી ગઈ છે તો તેમને ગંગાજળ પીવડાવો. લોકોની સલાહ મુજબ દિલિપભાઈએ માતાને ગંગાજળ પીવડાવવાનું ચાલુ કર્યું. પદર દિવસના વ્હાણા વહી ગયા પણ સુમિત્રાબેન હજી પણ કોમાગ્રસ્ત હતા.
       અચાનક દિલિપભાઈને મળેલા માનસરોવર અને અષ્ટપદનું જળ યાદ આવ્યું. સુધીરની આ યાત્રામાં દિલિપભાઈને ખુબ શ્રદ્ધા હતી. સુધીર પણ ખૂબ શ્રદ્ધાથી આ જળ જે માંગે છે તેને આપે છે. દિલિપભાઈએ ખૂબ શ્રદ્ધાપૂર્વક માનસરોવરનું જળ અને અષ્ટપદનું જળ કોમાગ્રસ્ત માતાને પીવડાવવાનું ચાલુ રાખ્યુ. ત્યાં તો અચાનક ચમત્કાર થવા લાગ્યો. સુમિત્રા માનું મુખ ખૂલવા માંડ્યુ અને ધીરે ધીરે એમને આ જળનો સ્વીકાર કરવા માંડ્યો. જેમ જેમ સુમિત્રાબેન જળનો સ્વીકાર કરતા ગયા તેમ તેમ તેઓ કોમામાંથી બહાર આવતા ગયા. દિલિપભાઈનો ખુશીનો પાર ન રહ્યો. ધીરે ધીરે લોકોમાં જાણ થવા લાગી. જેમ જેમ લોકોને જાણ થવા લાગી તેમ તેમ લોકો સુમિત્રાબેનની ખબર અંતર પૂછવા આવવા લાગ્યા અને ડૉક્ટર જેમણે હાથ ધોઈ કાઢ્યા હતા તેઓ સુદ્ધા નવાઈ પામી ગયા કે આ બધું અચાનક કેવી રીતે થયું ?
      હું પોતે પણ આ વાત માની નો’તી શકતી કે આ જળમાં અને આ યાત્રામાં આટલી તાકાત હશે. કદાચ આટલી યાત્રા બાદ અજાણતા સ્વમાં ફેરફાર થયા હોય. પ્રભુ કૃપા જ કહેવાય ને !
      આ એક જ પ્રસંગ નથી બીજા એવા કેટલા કિસ્સા બની ગયા છે જે સાભળવાથી ખરેખર શ્રદ્ધા જાગે તો નવાઈ નહી.
                                                             ૐ નમઃ શિવાય