Thursday, January 9, 2020

District Education Innovation Festival - 2019-2020

એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ ૨૦૧૯ - ૨૦૨૦ 

ગાંધીનગર જિલ્લા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ - ૨૦૧૯ - ૨૦૨૦ નું આયોજન તા. ૬ - ૭ - ૮ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર માં કરવામાં આવ્યું. જેમાં આદર્શ પ્રાથમિક શાળા, શાહપુર દ્વારા રમતા રમતા શિક્ષણ નવાચાર રજુ કરવામાં આવ્યું.

ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન જેવા વિષયોના વિવિધ મુદ્દાઓને સરળતાથી અને રસપૂર્વક શીખવવા માટે શિક્ષક દ્વારા વિવિધ પ્રકારની સામાન્ય રમતોનું આયોજન શાળા કક્ષાએ કરવામાં આવેલ છે. જે રમતોમાં બાળકો પણ તેમની સક્રિય ભાગીદારી દ્વારા વિષય મુજબનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. અહી રજુ કરવામાં આવેલ રમતો માં શિક્ષકની  ભૂમિકા ફક્ત માર્ગદર્શકની રહે છે કારણકે મોટા ભાગની રમતો બાળકો જાતે જ રમે છે અને ભાગ લે છે. આ માટે શાળા કક્ષાએ નીચે મુજબની રમતોનું હાલમાં આયોજન કરેલ છે. વર્ગખંડ ની નિરસતા ને દૂર કરવા માટે શિક્ષક એકમને પૂર્ણ કર્યા બાદ આ પ્રકારની રમત કે પ્રતિયોગીતા નું આયોજન કરે છે.
૧. ગણિત સાપ સીડી.
ગણિત સાપ-સીડી., જેમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી રકમો દરેક અંકમાં લેવામાં આવે છે. જેમાં ચઢતા ક્ર્રમ માં આવતા ઉત્તર વખતે બાળક ઉપર વધે છે  તેમજ ઘટતા ક્રમ ના ઉત્તર વખતે નીચેના ક્રમમાં ઉતરે છે. તેમ કરતા જે બાળક સૌથી પહેલા મંજિલ સુધી પહોચે છે તે વિજેતા બને છે.
૨. હું કોણ છું.?
બાળકો કોઈ એક ઉત્તર મન માં ધારી લે છે.બાકીના બાળકો તે તે ઉત્તર વિષે અન્ય પેટા પ્રશ્નો પૂછે છે અને તેમ કરતા કરતા ઉત્તર ની નજીક પહોચે છે, આ માટે શિક્ષક દ્વારા પ્રશ્નોની એક સાંકળ રચવામાં આવે છે. જેમ કે વિદ્યાર્થી મોર ધરી લે છે. બાળકો તરફથી પૂછવામાં આવે છે કે ... શું તે એક પક્ષી છે ? શું તે પાણી માં રહે છે ? આમ આમ એક એક કરતા બાળકો જવાબની નજીક પહોચે છે.
૩. મ્યુજીકલ બોક્ષ.
એક બોક્ષ માં શબ્દોની પટ્ટી મુકવામાં આવે છે. બાળકો ગોળાકારમાં બેસી મ્યુજિક ની સાથે દડો ગોળ ફેરવે છે, મ્યુજિક બંધ થતા જે બાળક પાસે દડો રહે છે તે બોક્ષમાંથી ચિઠ્ઠી ઉપાડી શબ્દ વિષે વાક્ય બોલો છે. જે બાળક વાક્ય બોલી શકતું નથી તે રમતમાંથી બહાર થઇ જાય છે. જે બાળક ઉત્તર આપે છે તે ૨ પોઈન્ટ મેળવે છે. અને રમત આગળ વધે છે.
૪. કૌન બનેગા બુદ્ધિમાન.?
અ રમતમાં બે બાળકો સામસામે બેસે છે, સ્પ્યારલ કરેલ એક બુકની એક તરફ પ્રશ્ન હોય છે અને બીજી તરફ ચાર વિકલ્પ સાથે સાચો જવાબ આપેલ હોય છે.  જેમ બાળક સાચો જવાબ આપે છે તેમ તેમ રમત આગળ વધે છે. અને બાળક પોઈન્ટ મેળવે છે અધ વચ્ચે ક્યાય બાળક અટકે તો  રમતમાં લાઈફ લાઈન પણ રાખવામાં આવે છે.
૫. શબ્દોની રેલગાડી.
આ રમતમાં શિક્ષક બાળકોને એક પ્રશ્ન પૂછે છે, તેનો જે ઉત્તર આવે છે તેના અનુરૂપ બાળકો આગળ વાક્ય બોલતા જાય છે. જેમ કે શિક્ષક પૂછે છે કે કયા ગ્રહ પર જીવન છે ? કોઈ બાળક  ઉત્તર આપે છે પૃથ્વી, તો તે એન્જીન બને છે બાકીના બાળકમાં જે બાળકો આગળ વાક્ય બોલતા જાય છે જેમ કે પૃથ્વી ગોળ છે, પૃથ્વી પર પાણી છે તેમ તેમ  બાળકો રેલગાડીમાં જોડાતા જાય છે, જે બાળક વાક્ય બોલી શકતો નથી તે પોતાના સ્થાન પર બેસી રહે છે. જયારે રેલગાડી પૂરી થાય છે ત્યારે તમામ બાળકો તેમને તેર તાળીનું માન આપે છે.
૬. પ્રશ્નપટ્ટી નો ખેલ.
આ રમતમાં જેટલા બાળક હોય તેટલા પ્રશ્ન ની પટ્ટી બનાવવામાં આવે છે અને બાળકોને વહેચવામાં આવે છે. શિક્ષક બાળકોને એક પ્રશ્ન પૂછે છે. જે બાળક પાસે તેનો જવાબ હોય છે તે ઉત્તર આપે છે. જે બાળક સાચો ઉત્તર આપે છે તેને અન્ય બાળકને પ્રશ્ન પૂછવાની તક મળે છે, ખોટો ઉત્તર આપનાર બાળક રમતમાં ચાલુ રહે છે પરંતુ તે પ્રશ્ન પૂછી શકતો નથી.