Sunday, November 4, 2012

દિવાળી એટલે...


દિવાળી એટલે...

દિવાળી એટલે ધાર્મિક માન્યતા મુજબ રામે રાવણ પર વિજય મેળવી અયોધ્યા પરત ફર્યા તેના માનમાં અયોધ્યામાં દિવાળી ઉજવાઈ હતી .
આધુનિક મોંઘવારી ભર્યા યુગમાં દિવાળી એટલે દરેક વર્ગ , સમુદાય અને સમાજ અલગ મહત્વ ધરાવે છે . દિવાળી એટલે ગૃહિણીઓ માટે પસ્તીવાળી . વર્ષ દરમ્યાન ભેગી થયેલી નકામી ,જગ્યા રોકતી વસ્તુઓ ભંગારમાં , પસ્તીમાં આપવાની મોસમ . દિવાળી એટલે ધાબે ગાદલા તપાડવા, ડબ્બા – પીપડા સાફ કરવા, માળિયા – સ્ટોર રૂમ – કબાટ સાફ કરી સરસ ગોઠવણ કરવાની મોસમ .
દિવાળી એટલે ખાવાના શોખીનો માટે નાસ્તાવાળી . ગૃહિણીઓ હોંશે હોંશે ડબ્બા ભરીને, મન મૂકીને તથા મોંઘવારીને ખાલી કરેલા માળીયે મૂકીને મઠીયા, સુવાળી, સક્કરપારા, ફરસીપૂરી, ફુલવડી,  ચવાણું, ભાખરવડી, ગાંઠિયા, ઘુઘરા, ગાંઠિયા, ચોળાફળી, કચોરી, ટમટમ, ચકરી જેવા ચટાકેદાર નાસ્તા બનાવે . નવા વર્ષે આવનાર મહેમાનો નાસ્તાની મજા માણે અને છેલ્લે મહેમાનો આવવાનું પૂર ઓસરે ત્યારે શ્રીમાનના પેટ પર મોંઘા નાસ્તા પુરા કરવાની ભારે જવાબદારી આવી પડે . ભલેને શ્રીમાનના ગળાની અને પેટની સિસ્ટમ ખોરવાઈ જાય પણ મોંઘવારીમાં મોંઘો નાસ્તો પુરો કરવો જ પડે .
દિવાળી એટલે ફરવાના શોખીનો માટે ફરવાવાળી . ફરવા માટે જોઈએ તો ગુજરાતીઓ જ નહિ પણ માત્ર ને માત્ર ગુજરાતીઓ જ શોખીન , નવરા અને સમૃદ્ધ છે . રાજસ્થાન , દિલ્લી , સિમલા , કુલુમનાલી , કાશ્મીર , સિક્કીમ , મહારાષ્ટ્ર , ગોવા , ઉંટી , કેરલ કે વિશ્વભરમાં ગમે ત્યાં જાવ ગુજરાતી સન્નારી અને સજ્જનો જોવા મળી જ જશે .પર્યટન સ્થળે વેપારીઓ પણ ગુજરાતીઓને વસ્તુઓ વેચવાની કે પહેરવાની ( વધુ કહી ઓછા કરવાની ) ઈસ્ટાઈલ શીખી ગયા છે .
દિવાળી એટલે યુવાનો, બાળકો માટે વેકેશનવાળી અને ફટાકડાવાળી . દિવાળી આવે એટલે બધા હાશકારો અનુભવે . નવરાત્રીનો થાક અને પરીક્ષાનો ત્રાસ દૂર કરવા જ દિવાળી આવે પણ સાથે દિવાળી વેકેશનની મજાની પથારી થોડી ફેરવી નાંખે . દિવાળી વેકેશનમાં મોડા ઉઠવાનું, થોડું રખડવાનું, વધુ ખાવાનું, થોડું ઘરકામ અને રાતે ફટાકડા ફોડવાનું કામ ક્રમબદ્ધ અને નિયમબદ્ધ બની જાય .
દિવાળી એટલે કંદોઈઓ, ફરસાણવાળા, કલરવાળા માટે કમાવવાવાળી . વરસાદમાં ભલેને ડેમ ના છલકાય પણ આ વેપારીઓના ગલ્લા દિવાળીમાં જરૂર છલકાય છે . વેપારીઓ મોંઘવારીના મથાળા હેઠળ મોંઘી વસ્તુઓ લાલચુ ગ્રાહકોને પહેરાવામાં દિવાળી ધર્મ માને છે . ઘણા ( બધા નહિ ) વેપારીઓ મહિનાઓથી ભેગો કરેલો ખરાબ , ડુપ્લીકેટ , સિન્થેટીક માવો દિવાળીની મીઠાઈઓમાં ઠાલવી ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ ખાલી કરી નિરાંત અનુભવે છે . મીઠાઇ ખાવાવાળાઓએ જરાક વિચારવું પડે કે દિવાળીના માવા માટે દુધાળા પશુઓ સ્પેશ્યલ કેશમાં વધુ દૂધ આપતાં નથી . રોજ જેટલું દૂધ ઉત્પાદન થાય તેમાંથી મોટો હિસ્સો પીવામાં વપરાઈ જાય છે અને વધે તેમાંથી દૂધની બનાવટો બને છે તો દિવાળીના માવા માટે વધારનું દૂધ કયા ખેતરમાં કે કંપનીમાં બને છે . ફરસાણવાળા પણ ઘણા ( બધા નહિ ) વેપારીઓ મોંઘવારી ઓથા હેઠળ સસ્તા તેલમાં ફરસાણ બનાવી માનવંતા ગ્રાહકોના પેટની અને ગળાની દશા ફેરવવામાં થોડીએ કસર બાકી નથી રાખતાં . કલરના વેપારીઓ , કારીગરો ગ્રાહકોના ઘરને રંગીન બનાવીને પોતાનો ગલ્લો ચમકદાર બનાવી દે છે .કલરના વેપારીઓનો વર્ષભરનો માલનો ભરાવો દિવાળીના પાવન પર્વ પર સાફ થઇ જાય છે .
દિવાળી એટલે થોડા ( બહુ જ થોડા ) કર્મચારીઓ માટે મલાઈવાળી . દિવાળી આવે એટલે આ થોડા સરકારી બાબુડીયાઓને સરકારી બોનસ અને વર્ષભરનો હિસાબ ચુકવણીની મોસમ . વર્ષભર જે કર્મચારીઓ પોતાના પૈસે સીંગ નથી ખાઈ શકતા તેઓ પારકા પૈસે બદામના બટુકા બોલાવે છે . 
દિવાળી એટલે  પસ્તીવાળી, નાસ્તાવાળી, ફરવાવાળી, વેકેશનવાળી, ફટાકડાવાળી, કમાવવાવાળી, મલાઈવાળી . આપ પણ રાહ શેની જુઓ છો . તમારાવાળી દિવાળી પસંદ કરી મનાવો દિવાળી .
સૌ બ્લોગર મિત્રો અને વાચકોને દિવાળી અને નવ વર્ષની  દિલથી હાર્દિક શુભેચ્છાઓ .

Do you like this post? Please link back to this article by copying one of the codes below.

URL Of Post:


HTML Link Code:

BB (forum) link code:

No comments:

Post a Comment