Sunday, November 18, 2012

જલારામ જયંતિ, તા . 20-11-2012,







જલારામ બાપા
જન્મ ૧૪-૧૧-૧૭૯૯
જલારામ જયંતિ, કારતક સુદ સાતમ,
તા . 20-11-2012,
 પિતા – પ્રધાન ઠક્કર
માતા: રાજબાઇ




યાત્રાધામોની શ્રેણીમાં વીરપુર એ એક અનન્ય યાત્રાધામ છે. જલારામ બાપાના નામ સાથે સંકળાયેલું આ સ્થળ સમગ્ર ગુજરાતનું તીર્થઘામ છે.ગોંડલ અને જેતપુર વચ્ચે આવેલા વીરપુરમાં રામનું મંદિર આવેલું છે.કારણ કે જલારામ બાપા નાનપણથી રામના પ્રેમી હતા. જલારામ બાપાની ઈચ્છાનુસાર અહીં સદાવ્રત ચાલે છે અને બારે માસ યાત્રાળુઓની ભીડ રહે છે.જરાલામ બાપાના નામે ચાલતા ટ્રસ્ટ તરફથી શિક્ષણના વિકાસની પ્રવૃત્તિઓ ચાલે છે.

શ્રી જલારામ બાપાનો જન્મ ૧૪-૧૧-૧૭૯૯ ના રોજ વીરપુરમાં માતા રાજબાઇના કુખે થયો. એમના પિતાજીનું નામ હતુ શ્રી પ્રધાન ઠક્કર જેઓનો પોતાનો ધંધો હતો. માતા રાજબાઇ હંમેશા સાધુ સંતોની સેવા કરતા. એમનું આદરઆતિથ્ય માણ્યા વગર વીરપુરથી કોઇ જતુ નહી. સંત રધુવીરદાસજીએ મા રાજબાઇને કહ્યું હતુ કે એમનો બીજો પુત્ર ખુબ પ્રસિદ્ધ સેવાભાવી સંત થશે. આવી માતા પાસેથી જલારામ બાપાએ સેવા, ભકિત, ધીરજ, ત્યાગભાવના વિગેરે ગુણો કેળવ્યા. જયારે એ નાના હતા ત્યારે એક સંત એમને મળ્યા જેઓ જલારામ બાપાને પૂર્વ જનમથી જાણતા હતા. અને એમની પ્રેરણાથીજ તેઓ સીતારામ મંત્ર બોલવા માંડયા. ૧૬ વર્ષમાં જ એમના લગ્ન વીરબાઇ જોડે થયા જે ઠક્કર પ્રાગજી સોવાજીયા ના દિકરી હતાં. જલારામને સંસાર ચલાવવામાં કે પિતાનો ધંધો ચલાવામાં બિલકુલ રસ ન હતો. એ તો સાધુ સંતોની સેવામાંજ લાગ્યા રહેતા. ભૌતિક જગતમાંથી તેઓ બહાર જવા માંગતા હતા. સૌભાગ્યથી પત્ની વીરબાઇ એ પણ એમનો માર્ગ સ્વીકાર્યો. જયારે જલારામે તીર્થયાત્રાએ જવાનો નિર્ણય કર્યો ત્યારે તેઓ પણ એમને અનુસર્યા. વચમાં એમણે પિતા સાથે અને પછી કાકા સાથે ધંધામાં ઝંપલાવ્યું પણ સાધુઓ અને ગરીબો માટેની એમની દયાને લીધે એમને ફાવ્યું નહી. ધંધામાં બેસીને પણ તેઓ બધાને છુટા હાથે મદત કરતા અને પિતા / કાકાના વેણ સાંભળતા.
હવે દુકાનમાંથી એનું ચિત્ત ઠી ગયું. એકાએક એના મનમાં જાત્રાએ જવાનો સંકલ્પ થયો. જલારામ જાત્રા પર નીકળી પડયા. તે વખતે તેમની ઉંમર માત્ર સત્તર વર્ષની હતી. સકળ તીર્થનાં દર્શન કરી દોઢ-બે વર્ષે એ ધેર પાછા આવ્યા, ત્યારે ગામે ધામધૂમથી એમનું સામૈયું કર્યું. જાત્રાએથી આવ્યા પછી જલારામ ભોજા ભગતનાં દર્શને ગયા. જુગજુગની ઓળખાણ જાગી પડી અને જલારામ ભોજા ભગતનાં પગમાં પડયા ને એમને ગુરુ તરીકે સ્વીકાર્યા.
મને જલારામ બાપાની ગુરૂભક્તિનો એક પ્રસંગ યાદ આવે છે.
ભોજલરામ બાપાએ એક વખતે ફતેપુર મેળો કરેલો અને તે સમયે હજારો ભાવિક ભક્તો તથા સાઘૂ સંતો, ફતેપુર આવેલા આવી જનમેદની કયારેય લોકોએ જોયલ નહીં નાનુ એવું ગામ અને નદીના તટ સુધી માણસો જ માણસો સિવાય કોઇ દેખાય નહિ શિયાળાનો સમય હતો હૈયે, હૈયું દળાય તેટલી મેદની હતી જલારામ બાપા તથા વાલમરામ બાપા તથા અનેક મહાન સંતો મહંતો તથા આજુબાજુના ગામો તથા અમરેલીના આગેવાનોને સાથે રાખી વ્યવસ્થા સંભાળે પણ ત્યારે નાની ઉંમરના શિષ્ય જલારામ બાપાને મનમાં શંકા રહ્યા કરે કયારેક એમ થાય કે રસોઇ ખૂટશે તો ? કયારેક એમ થાય કે આટલા બધા માણસોને રાત્રે કયા સુવડાવીશું ? આથી ભોજલરામ બાપાને થોડી થોડી વારે પૂછ્યા કરે ગુરૂ મહારાજ હવે શું કરીશું.?
જલારામ બાપા તો કંઇક બીજુ જ વિચારીને તરત ત્યાંથી ચાલી નીકળ્યા આવ્યા નિર્મળ એવી ઠેબી નદીના કાઠે અને વિચારમાં ડૂબી ગયા આ કડકડતી ઠંડીમાં પાટ (નદીની પાટ)માં કેમ પડાશે ? પણ ગુરૂ મહારાજે મને પાટમાં પડવાનું કહ્યું છે એટલે મારે રાત્રિ આખી આ ધૂનામાં જ કાઢવી પડે અને શિયાળાની કડકડતી ઠંડીમાં જલારામ બાપા તો પડ્યા પાટમાં અને આખી રાત ત્યાં પાણીમાં ઊભા રહ્યાં.
ત્યારે જલારામજી કહે છે ગુરૂ મહારાજ આપનું વચન થોડું મિથ્યા જાય? અને આપના વચનની હુફે મને જરા પણ ઠંડી લાગી નથી.
ત્યારે જલારામની ગુરૂભક્તિ જોઇને ભોજલરામ બાપાના મુખમાંથી આશીર્વાદ સરી પડ્યા કે મારો અંતરાત્મા તને આશિષ દે છે તું મારાથી સવાયો થઇસ તારી નામના ચારે દિશામાં ફેલાશે અને તારા નામ માત્રથી સિદ્ધિ જન્મશે આ પૃથ્વી પર જળ રહેશે ત્યાં સુધી તારૂં નામ રહેશે જલારામ હું મારી જાતને ધન્ય માનું છું કે તારા જેવો શિષ્ય મને મળ્યો છે. મારા વચન યાદ રાખજે કે એક દિવસ સ્વયં પ્રભુને પણ તારા દર્શન કરવા આવવું પડશે.
ત્યારબાદ બંને ગુરૂ શિષ્ય જગ્યામાં આવ્યા મેળો વિખરાયો અને થોડા દિવસ બાદ ગુરૂ ભોજલરામે જલારામને આદેશ આપ્યો કે વીરપુર જઇ જગ્યા સ્થાન બાંધી દીન દુઃખિયાને ટૂકડો શરૂ કર પરંતુ જલારામનું માન ગુરૂચરણ છોડવા માગતું નથી જલારામ બાપા કહે છે મારે તો અહીંયા ફતેપૂરમાંજ રહી તમારી સેવા કરવી છે. ભોજા ભગતે ખૂબ કહ્યું ત્યારે જલારામ એક શરતે વીરપુર જવાનું સ્વિકારે છે અને વચન માગે છે કે ગુરૂદેવનો અંતિમ વિશ્રામ મારે ત્યાં થાય મારે સાનિઘ્યે આપનું દેહાવસાન થાય એવું વચન આપો ત્યારે ભોજાભક્ત વચન આપે છે કે મારો અંતીમ વિશ્રામ તારે ત્યાં વિરપુરમાં થશે.
ભગવાન તેમની કસોટી કરવા માટે એક વખત વૃદ્ધ સાધુનું રૂપ લઈને આવ્યાં હતાં અને તેમણે તેમની પાસે તેમની પત્ની વીરબાઈની માંગણી કરી હતી. જલારામે સાધુની સેવા કરવા માટે પ્રેમથી તેમની પત્નીને સાધુને આપી દિધી હતી. પરંતુ બાદમાં ભગવાને પ્રસન્ન થઈને વીરબાઈ પાસે પ્રસાદી રૂપે ધોકો અને જોળી મુકતાં ગયાં. આજે પણ આ ધોકો અને જોળી તે મંદિરની અંદર છે. જે લોકો આજે અહીંયા દર્શન કરવા માટે આવે છે તેઓ મંદિરની અંદર રાખેલ આ ધોકા અને જોળીના દર્શન પણ અવશ્ય કરે છે.
સૌરાષ્ટ્રની ધરા જયાં ભોજલરામ બાપા જેવા ગુરૂ અને જલારામબાપા જેવા શિષ્ય અવતર્યા ધન્ય સૌરાષ્ટ્રની ધરાને