Wednesday, October 31, 2012

જીવનનું મૂલ્ય


 કૉફીનો કપ
એકવાર એક બુદ્ધિમાન શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને કૉફી માટે નિમંત્રણ આપ્યું. આ નિમંત્રણમાં નવાઈની વાત એ હતી કે ટેબલ પર મૂકેલા બધા જ કપ જુદા જુદા રૂપ-રંગના હતા. બધા વિદ્યાર્થીઓએ તે જોયું અને ત્યારબાદ તેમણે કૉફી પીવાનું શરૂ કર્યું. કૉફી પીતાં તેઓ એકબીજાના કપ તરફ જોઈ રહ્યાં. શિક્ષકે આ બધું થોડીવાર ધ્યાનથી નિરીક્ષણ કરતાં વિદ્યાર્થીઓને કહ્યું : ‘શું તમે અત્યારે તમારી વર્તણૂંકથી સભાન છો ? તમે બધા જ એકબીજાના કૉફી-કપ જોઈ રહ્યાં છો. સાથે હું એ પણ નોંધી રહ્યો છું કે તમારામાંના કેટલાંક, કે જેમનો કપ સાવ સાદો સીધો છે તેઓ મોંઘાકપવાળાની ઈર્ષ્યા કરી રહ્યાં છે. શું એવું નથી ?’
વિદ્યાર્થીઓ સંમત થયાં. એમને પોતાની વર્તણૂંક બદલ થોડો સંકોચ પણ થયો.
શિક્ષકે પોતાની વાત આગળ વધારતાં કહ્યું : ‘તમને બધાને નવાઈ લાગી હશે કે આ બધા કપ આટલા જુદા જુદા શા માટે છે ? પણ એ મેં અહીં જાણી જોઈને રાખ્યા હતાં. જરાક ધ્યાનથી વિચારો તો તમને આમાંથી જીવનનો એક અગત્યનો બોધપાઠ શીખવા મળશે. જીવન એ કૉફી સમાન છે જ્યારે કપ એ જીવનમાં આવતી જુદી જુદી પરીસ્થિતિઓનું પ્રતીક છે. તમને બધાને આ કપમાં એક સરખી વસ્તુ આપવામાં આવી છે પણ તેમ છતાં તમે બીજાના કપની ઈર્ષ્યા કરવામાં કૉફીની મજા માણી શકતા નથી. શું આ સાચું નથી ? જ્યારે તમે બીજાના જીવનની જુદી જુદી પરીસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા બેસી જાઓ છો ત્યારે હકીકતે તો તમે તમારા જ જીવનનો આનંદ ગુમાવી બેસો છો.’
અંતમાં શિક્ષકે કહ્યું : ‘તો હવે ચાલો, બધા આંખ બંધ કરો અને તમારા કપમાં ભરેલી કૉફીનો સ્વાદ માણો. ખરેખર એ ખૂબ જ ટેસ્ટી છે. જરા ચાખી જુઓ; અને ચાખીને મને કહો કે શું એ ટેસ્ટને કપના રૂપ-રંગ સાથે કંઈ લાગેવળગે છે ? મિત્રો, તમે કોઈ પણ ક્ષણે જીવન આનંદપૂર્વક જીવી શકો છો, પછી ભલે ને તમે ગમે ત્યાં હોવ. તમારી પાસે ગમે તે હોય. માત્ર જીવનનો સ્વાદ માણતા શીખી લો !’ 
(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓ માટેના મેગેઝીન ‘સુચિતા ટાઈમ્સ’ (અલાહબાદ)માંથી સાભાર અનુવાદિત.)